સત્યનાં પ્રયોગો..- ૧
કેમ છો મિત્રો..
ઘણા દિવસો પછી બ્લોગ અપડેટ કરું છું.. છેલ્લા દિવસોમાં વાતો તો ઘણી બની છે.. પણ એ બધું ફરી ક્યારેક.. આજે તો ખાસ ગાંધીજીની આત્મકથા, “સત્યનાં પ્રયોગો” ઉપર વાત કરવી છે..
ઘણા દિવસો પછી બ્લોગ અપડેટ કરું છું.. છેલ્લા દિવસોમાં વાતો તો ઘણી બની છે.. પણ એ બધું ફરી ક્યારેક.. આજે તો ખાસ ગાંધીજીની આત્મકથા, “સત્યનાં પ્રયોગો” ઉપર વાત કરવી છે..
આમ તો આ પુસ્તકની હિન્દીમાં સંક્ષિપ્ત આવૃત્તિ પહેલેથી હતી પરંતુ આ વર્ષની શરૂઆતમાં જ જયારે અમદાવાદમાં “ક્રોસવર્ડ”માં તેની નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત મૂળ ગુજરાતી આવૃત્તિ નજરે ચડી ત્યારે એ સહેજે ખરીદી લીધી. આમ તો ગાંધીજી વિષે ઘણું બધું વાંચ્યું છે.. અને એનાથી ક્યાય વધારે સાંભળ્યું છે.. પરંતુ મનમાં તો એ જ રમતું હતું કે ક્યારેક ગાંધીજીને પોતાને વાંચવા છે.. આખરે ગુજરાતી હોવાનો એટલો તો લાભ આપણે લેવો જ ઘટે.. એટલે એ ગુજરાતી મહામાનવનું પોતે પોતાના વિશે ગુજરાતીમાં જ લખેલું પુસ્તક વાંચવું તો રહ્યું જ.. લોકો વિષે ગાંધીજીને લગતા સારા-ખરાબ અભિપ્રાયો સંભાળતો ત્યારે મને પહેલેથી જ વિચાર રહેતો કે મારે તેમને વાંચીને પોતે જાણવા.. અને આની સાથે સાથે નવજીવન પ્રેસ દ્વારા જ પ્રકાશિત થયેલ ભારતનાં લોહ-પુરુષ અને મારા પડોશમાં જ જન્મેલા “સરદાર” વલ્લભભાઈની આત્મકથા પણ ખરીદી લીધી..
પરંતુ આ પુસ્તક વાંચવાનો મેળ તો છ મહિના પછી આ ઓગસ્ટ મહિનામાં જ પડ્યો.. પુસ્તક વાંચતા પહેલા ગાંધીજી વિષે મનમાં અમુક શંકાઓ અને અભિપ્રાયો હતા. વાંચ્યા પછી તે બધા દુર થયા એવું તો કહેવું કદાચ અસ્થાને રહેશે. હા, કદાચ વધ્યા હોય ખરા.. પરંતુ હું ગાંધીજીને એક અલગ જ રીતે નીરખતો તો થયો જ કહેવાઉં.. હવે હું તેમને એક ભક્ત તરીકે, તપસ્વી-સાધક તરીકે, નીતીઆચરણના પુજારી તરીકે, એક વિચારક-સુધારક-પ્રજા પ્રતિનિધિ અને એક રાજકારણી તરીકે ઘણી વધારે સારી રીતે જાણતો થયો. જો કે, એમની ઘણી પદ્ધતિઓને મારા મને સ્વીકારવાની કેમેય કરીને હા ન પડી. પણ કદાચ એમાં મારી ટૂંકી દ્રષ્ટિ જ કારણભૂત બની શકે.. જે હોય તે, પરંતુ હું તો તેમનાં અમુક અભિપ્રાયો હજી સમજી નથી શક્યો. અને કદાચ સમજીશ પણ નહિ..
પરંતુ અહીં આપણે એમના ગુણોની ચર્ચા જ વધારે કરવી ઘટે..
૧. ગાંધીજીમાં સૌથી વધારે સારો ગુણ જો હું ગણતો હોઉં તો એ છે દરેક વસ્તુને સત્યની એરણ પર ચકાસવાની વૃત્તી. આપણા “અર્વાચીન” હિંદુ ધર્મની એ કરુણતા છે કે આપણે ત્યાં કોઈ ધર્મને અને શિક્ષણને સત્યની કસોટી પર ચડાવતું નથી.. જે પીરસવામાં આવે તે તૈયાર જ લઇ લેવાય છે.. હું માનું છું કે ધર્મને સત્યરૂપી અગ્નિપરીક્ષામાં ચડાવવાથી, ધર્મની અસ્મિતા કંઈ ઝાંખી નથી પડી જતી. ઉપરથી અનેકગણી વધી જાય છે. માણસ પોતે જે કાર્ય કરતો હોય છે, અથવા પોતે જે વસ્તુનો સમર્થક હોય છે, એમાં એને પોતાને દ્રઢ વિશ્વાસ હોય તો જ તે પોતાનું અને બીજાનું શ્રેય કરી શકે.. પરંતુ આજે આપણે અત્યારે સમાજમાં બે પ્રકારના માણસો જોઈ શકીએ – એક તો એવા છે કે જે પોતે જે આચરણ કરે છે તેના પર ઊંડો ઉતર્યો છે. અને બીજા એવા છે કે જે ફક્ત કોઈ બીજાને અનુસરતા હોય છે.. ધર્મક્ષેત્રે આ બીજા પ્રકારના માણસોની અછત નથી.. એકાદશીનો ઉપવાસ કર્યો હોય, પણ એનું શાસ્ત્રીય મહત્વ પૂછો તો એને પોતાને પ્રશ્ન થઇ જાય.. મારું માનવું છે કે જયારે આવું હોય ત્યારે એવી ભક્તિ કદાચ ભવિષ્યમાં પડી પણ ભાંગે ખરી.. કારણ કે જો એના પોતાના મનમાં પ્રશ્ન થાય ત્યારે બની શકે કે એને જ જવાબ ના મળે. ભારતની મોટા ભાગની વસ્તી આવી જ ભક્તિ કરતી હોય છે.. તેમનાં માટે શાસ્ત્રો એ પૂજન માટે જ બનેલા હોય છે.. ધર્મ અને જીવનનાં રહસ્યો સમજવા નહિ.. અને આનો મોટો લાભ ઢોંગી ધુપ્પલ ચલાવનાર અને ચમત્કારો બતાવનારાઓ લઇ લેતા હોય છે.
આથી ગમે તે ક્ષેત્ર હોય, પછી તે - ધર્મ હોય, શિક્ષણ હોય, રાજકીય પક્ષ હોય, કુટુંબ હોય, દરેક વખતે માનવીએ પોતે શું કરે છે અને એ કેમ કરે છે એટલા સત્યને તો જાણવું જ રહ્યું. તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે માણસમાં પોતાના મનમાં એ પોતાના જ કાર્ય કે ધર્મને વિષે વિશેષ માન થશે અને એને હજુ યથાર્થ પાળવાનું બળ મળશે.
ગાંધીજીની અડગ નિષ્ઠાનું પણ મને એ જ મુખ્ય પરિબળ લાગ્યું.. કે એમણે પોતાના દરેક નિર્ણયો અને સંકલ્પોને “સત્યનારાયણ”ની સાક્ષીમાં ચકાસ્યા હતા.. અને પછી જ એ ગ્રહણ કાર્ય હતા..
૨. ગાંધીજીની બીજી મને સૌથી પ્રિય બાબત છે તેમનો સંયમ. જે સુક્ષ્મ હદે તેમણે દરેક વસ્તુમાં સંયમનું પાલન કર્યું હતું તે ખરેખર પ્રશંસનીય ગણી શકાય.. હા, તેમનાં અમુક પ્રયોગોને હું થોડા હદ બહારનાં જરૂર ગણાતો હતો અને ગણું છું. પરંતુ ખોરાક પર તેમણે મેળવેલો સંયમ ખરેખર અદભૂત હતો. કોઈ પણ યોગી માટે તેની રસના ઇન્દ્રિયને વશ કરવી એ સૌથી કઠણ કામ છે. અને ગાંધીજીના એ દિશામાં પ્રયત્નો ખરેખર સરાહનીય ગણવા રહ્યા.
તેઓ જાણતા હતા કે કોઈ પણ વિષયમાં મનના વૈરાગ્ય સિવાય માત્ર ભૌતિક ત્યાગ કોઈ ફળ ન આપે. તેમણે આ માટે સદ્. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનની કડી પણ વર્ણવી છે..
“ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના”
માત્ર ભૌતિક ત્યાગ જ નહિ આત્મિક વૈરાગ્યની ખરી જરૂર છે..
ખેર, હજુ તો ઘણું બધું કેહવાનું છે પરંતુ હવે રાતના ૧૦.૫૫ થયા છે એટલે બંધ કરું છું.. વધુ કાલે લખીશ.
અને હા, આ પોસ્ટ ગુજરાતીમાં લખવાનું કારણ એ જ, ખુદ ગાંધીજીનો ગુજરાતી પ્રેમ છે. એટલે એમના વિષે તો ગુજરાતીમાં જ લખવું ઘટે.
0 comments:
Post a Comment